Gujarat SpecialCurrent Affairs · નવેમ્બર 2026

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની 151મી જન્મજયંતી અવસરે છોટાઉદેપુર ખાતે 'જનજાતીય ગૌરવ દિવસ'ની રાજ્યકક્ષાની ભવ્ય ઉજવણી...

જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી પ્રસંગે દીપ પ્રાગટ્ય

ધરતી આબા ભગવાન બિરસા મુંડાની ૧૫૧મી જન્મજયંતિ નિમિત્તે છોટા ઉદેપુરની ધરતી પરથી મુખ્યમંત્રીશ્રી ભૂપેન્દ્ર પટેલે ધરતી આબા ભગવાન બિરસા મુંડાની દિવ્ય ચેતનાને વંદન કરીને સૌને ધરતી આબા ભગવાન બિરસા મુંડાની જન્મજયંતીની શુભકામનાઓ પાઠવી હતી. આદિજાતિ જિલ્લા છોટાઉદેપુર ખાતે 'જનજાતીય ગૌરવ દિવસ'ની રાજ્યકક્ષાની ગરિમામય ઉજવણીમાં સહભાગી થઈને સમારંભને સંબોધતા મુખ્યમંત્રીશ્રીએ જણાવ્યું હતું કે, આઝાદીની સ્વાતંત્ર્ય સંગ્રામમાં આદિવાસી વીરોના બલિદાન અને અમૂલ્ય યોગદાનને દેશ સમક્ષ ઉજાગર કરવાનું ઐતિહાસિક કાર્ય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ કર્યું છે. વર્ષ-૨૦૦૭ માં શરૂ થયેલી ‘વનબંધુ કલ્યાણ યોજના’ આદિજાતિઓના સર્વાંગી ઉત્કર્ષ માટે માઈલસ્ટોન સાબિત થઈ છે અને હવે આગામી પાંચ વર્ષમાં જનજાતીય ક્ષેત્રો મેટ રૂ. ૨ લાખ કરોડના વિકાસકામોનું આયોજન હાથ ધરાયું છે. આ પ્રસંગે આદિવાસી મહિલાઓ અને સ્થાનિક કારીગરોની આજીવિકા વધારવા માટે ‘શબરી બુથ’ અને ‘જોહાર કાફે’ની નવતર પહેલનો પ્રારંભ કરવામાં આવ્યા હતો. મુખ્યમંત્રીશ્રી પટેલે સ્પષ્ટ કર્યું હતું કે, છોટા ઉદેપુરને ‘સ્પોર્ટ્સ અને ફૂડ પ્રોસેસિંગ હબ’ તરીકે વિકસાવી સ્થાનિક રોજગારીના નવતર દ્વાર ખોલવામાં આવશે, જેથી સ્થાનિક યુવાનોને રોજગારીની નવી તકો મળશે. ઉપસ્થિત સૌએ મહારાષ્ટ્ર રાજ્યના ગઢચિરોલી ખાતે આયોજીત રાષ્ટ્રકક્ષાના જનજાતીય ગૌરવ દિવસની ઉજવણી અને વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીનું જીવંત પ્રસારણ નિહાળ્યું હતું.

ભગવાન બિરસા મુંડા વિષે...

જન્મ
15 નવેમ્બર, 1875 (ઉલિહાતુ ગામ, ખુંટી જિલ્લો, ઝારખંડ)
પિતા / માતા
સુગના મુંડા / કર્મી હાતુ
ઉપનામ
ધરતી આબા (ધરતીના પિતા) અને ભગવાન
ગુરુ
આનંદ પાંડે (વૈષ્ણવ વિચારધારાનો પ્રભાવ)
મૃત્યુ
9 જૂન, 1900 (રાંચી જેલમાં, માત્ર 25 વર્ષની વયે)

ભગવાન બિરસા મુંડા ભારતના સ્વાતંત્ર્ય સંગ્રામના મહાન આદિવાસી ક્રાંતિકારી, લોકનાયક અને ધાર્મિક સુધારક હતા, જેમણે 19મી સદીના અંતમાં બ્રિટિશ શાસન અને જમીનદારી શોષણ સામે 'ઉલગુલાન' (મુંડા વિદ્રોહ) નું નેતૃત્વ કર્યું હતું.

ઉલગુલાન / મુંડા વિદ્રોહ (1899-1900)

અર્થ: 'ઉલગુલાન' નો અર્થ થાય છે 'મહાન હલચલ' અથવા 'મહાવિદ્રોહ'.

મુખ્ય કારણો

  • અંગ્રેજોની જમીન મહેસૂલ નીતિને કારણે આદિવાસીઓની પરંપરાગત ખૂંટકટ્ટી (Khuntkatti) પ્રથા (સંયુક્ત જમીન માલિકીની વ્યવસ્થા) નો નાશ થયો.
  • બહારના લોકો, જેને આદિવાસીઓ 'દિકુ' (Diku) કહેતા (જમીનદારો, શાહુકારો, કોન્ટ્રાક્ટરો અને મિશનરીઓ), દ્વારા થતું આર્થિક અને સામાજિક શોષણ.

ધાર્મિક સુધારણા (બિરસાઈત સંપ્રદાય): તેમણે 'બિરસાઈત' નામના નવા પંથની સ્થાપના કરી. તેમાં એકેશ્વરવાદ (સિંગબોંગા ની પૂજા), વ્યસનમુક્તિ, પશુબલિનો વિરોધ અને સ્વચ્છતા પર ભાર મૂક્યો.

પ્રસિદ્ધ સૂત્ર: "અબુઆ રાજ એટે જાના, મહારાણી રાજ તુંડુ જાના" (રાણી વિક્ટોરિયાનું શાસન સમાપ્ત થાઓ અને આપણું રાજ સ્થપાઓ).

પરીક્ષાલક્ષી મહત્ત્વના મુદ્દાઓ (Key Takeaways)

છોટાનાગપુર ટેનન્સી એક્ટ, 1908 (CNT Act, 1908): મુંડા વિદ્રોહના સીધા પરિણામ સ્વરૂપે બ્રિટિશ સરકારે આ કાયદો પસાર કર્યો. આ કાયદા હેઠળ આદિવાસીઓની જમીન બિન-આદિવાસીઓને ટ્રાન્સફર કરવા પર પ્રતિબંધ મુકાયો અને ખૂંટકટ્ટી અધિકારોને કાયદેસરની માન્યતા મળી.

જનજાતીય ગૌરવ દિવસ: ભારત સરકારે વર્ષ 2021 થી તેમની જન્મજયંતિ 15 નવેમ્બર ને દર વર્ષે 'જનજાતીય ગૌરવ દિવસ' તરીકે ઉજવવાની જાહેરાત કરી છે.

ઝારખંડ રાજ્યની સ્થાપના: 15 નવેમ્બર, 2000 ના રોજ તેમની જન્મજયંતિના દિવસે જ બિહારમાંથી અલગ કરીને ઝારખંડ રાજ્યની સ્થાપના કરવામાં આવી હતી.

સંસદમાં સન્માન: ભારતીય સંસદના સેન્ટ્રલ હોલમાં જેમની તસવીર મૂકવામાં આવી છે, તેવા તેઓ એકમાત્ર આદિવાસી નેતા છે.

Leave A Comment